Joshua 24

1યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શખેમમાં ભેગાં કર્યા. ઇઝરાયલના વડીલોને, તેઓના આગેવાનોને, વડાઓને, ન્યાયાધીશોને, તેઓના અધિકારીઓને બોલાવ્યા અને તેઓ યહોવાની સમક્ષ ઉપસ્થિત થયા. 2યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના યહોવા, કહે છે કે, ‘પૂર્વકાળે તમારા પૂર્વજ ઇબ્રાહિમના પિતા તથા નાહોરના પિતા તેરાહ ફ્રાત નદીને પેલે પાર વસેલા હતા. તેઓ અન્ય દેવોની પૂજાભક્તિ કરતા હતા.

3પણ હું તમારા પિતા ઇબ્રાહિમને ફ્રાત નદીની પેલી પારથી કનાન દેશમાં દોરી લાવ્યો અને તેના દીકરા ઇસહાક દ્વારા મેં તેને ઘણાં સંતાનો આપ્યાં. 4મેં ઇસહાકને બે દીકરા યાકૂબ તથા એસાવ આપ્યાં. મેં વતન તરીકે એસાવને સેઈર પર્વતનો પ્રદેશ આપ્યો, પણ યાકૂબ અને તેના દીકરાઓ મિસરમાં જઈને રહ્યા.

5પછી મેં મૂસાને તથા હારુનને મોકલ્યા અને મરકીથી મિસરીઓને મેં પીડિત કર્યા. ત્યાર પછી હું તમને ત્યાંથી બહાર કાઢી લાવ્યો. 6હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો. ચાલતા ચાલતા તમે સમુદ્ર સુધી આવી પહોંચ્યા. ત્યારે મિસરીઓ રથો તથા ઘોડેસવારો સાથે લાલ સમુદ્ર સુધી તમારા પિતૃઓની પાછળ ચડી આવ્યા.

7ત્યારે તમારા પૂર્વજોએ યહોવાને પોકાર કર્યો, એટલે યહોવાએ તમારી તથા મિસરીઓની વચ્ચે અંધારપટ કર્યો. યહોવાએ તેઓ પર સમુદ્રનાં પાણી લાવીને તેઓને ડુબાવી દીધા. મેં મિસરમાં જે કર્યું તે તમે તમારી સગી આંખોએ જોયું છે. પછી તમે ઘણાં દિવસો સુધી અરણ્યમાં રહ્યા.

8જે અમોરીઓ યર્દનની પેલી બાજુ વસેલા હતા, તેઓના દેશમાં હું તમને લાવ્યો. તેઓએ તમારી સાથે યુદ્ધ કર્યું. અને મેં તેઓને તમારા હાથમાં સોંપી દીધા. તમે તેઓના દેશ કબજે કરી લીધો. અને મેં તમારી આગળ તેઓનો સંહાર કર્યો.

9પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું. તેણે તમને શાપ દેવા સારુ બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો. 10પણ મેં બલામનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશીર્વાદ આપ્યો હતો. આ રીતે મેં તમને તેના હાથમાંથી છોડાવ્યાં.

11પછી તમે યર્દનથી પાર ઊતરીને યરીખો પાસે આવ્યા. ત્યારે યરીખો, અમોરી, પરિઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી લોકોએ તમારી સાથે યુદ્ધ કર્યું. મેં તમને તેઓના પર વિજય આપ્યો અને તેઓને તમારા નિયંત્રણમાં સોંપી દીધા. 12વળી મેં તમારી આગળ ભમરીઓ મોકલી, તેઓએ અમોરીઓના બે રાજાઓને તમારી આગળથી નસાડી મૂક્યા. આ બધું કંઈ તમારી તલવારથી કે તમારા ધનુષ્યથી થયું નહોતું!

13જે દેશ માટે તમે શ્રમ કર્યો નહોતો અને જે નગરો તમે બાંધ્યા નહોતાં તે મેં તમને આપ્યાં છે, હવે તમે તેમાં રહો છો. જે દ્રાક્ષાવાડીઓ તથા જૈતૂનવાડીઓ તમે રોપી નહોતી તેઓનાં ફળ તમે ખાઓ છો.’

14તો હવે યહોવાનું ભય રાખો અને સંપૂર્ણ પ્રામાણિકતાથી અને સત્યતાથી તેમની આરાધના કરો; ફ્રાત નદીની પેલી બાજુ અને મિસરમાં તમારા પૂર્વજો જે દેવોની પૂજાભક્તિ કરતા હતા તે દેવોથી છુટકારો મેળવીને, યહોવાની આરાધના કરો. 15જો તમારી દ્રષ્ટિમાં યહોવાની આરાધના કરવી એ અયોગ્ય લાગતું હોય, તો આજે તમે પોતે નક્કી કરો કે તમે કોની સેવા કરશો? નદીની પેલી પાર રહેતા તમારા પૂર્વજોના દેવોની અથવા જે અમોરીઓના દેશમાં તમે રહો છો તેઓના દેવોની તમે પૂજાભક્તિ કરશો? પણ હું અને મારું કુટુંબ તો યહોવાની જ સેવા કરીશું.

16લોકોએ જવાબ આપીને કહ્યું, “અન્ય દેવોની સેવાને માટે અમે યહોવાને તજી દઈએ એવું પ્રભુ કદીય થવા ન દો. 17કેમ કે જે પ્રભુ યહોવા અમને અને અમારા પૂર્વજોને મિસર દેશમાંથી, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા, જેમણે અમારા દેખતાં અદભુત ચમત્કારો કર્યા, અમે જે રસ્તે ચાલ્યા તેમાં તથા જે સર્વ દેશોમાં થઈને અમે પસાર થયા ત્યાં અમારું રક્ષણ કર્યું તે જ યહોવા અમારા પ્રભુ છે. 18યહોવાએ તે દેશમાં રહેનારા સર્વ અમોરી લોકોને અમારી આગળથી કાઢી મૂક્યા છે. તેથી અમે પણ યહોવાની સેવા કરીશું, કેમ કે તે જ અમારા યહોવા છે.”

19પણ યહોશુઆએ લોકોને કહ્યું, “તમે યહોવાની સેવા કરી શકશો નહિ, કેમ કે તે પવિત્ર યહોવા છે; તે આવેશી યહોવા છે; તે તમારાં ઉલ્લંઘનો અને તમારા પાપોની ક્ષમા કરશે નહિ. 20જો તમે તમારા યહોવાને ત્યજીને વિદેશીઓના દેવોની ઉપાસના કરશો, તો તેઓ તમારુ સારું કર્યા પછી, તમારી વિરુદ્ધ થઈને તમારું અહિત કરશે. તમને નષ્ટ કરી નાખશે.”

21પણ લોકોએ યહોશુઆને કહ્યું, “એવું નહિ બને. અમે તો યહોવાની જ આરાધના કરીશું.” 22પછી યહોશુઆએ લોકોને કહ્યું, “તમે પોત પોતાના માટે સાક્ષી છો કે તમે જાતે યહોવાની આરાધના કરવાને સારુ તેમને પસંદ કર્યા છે.” તેઓએ કહ્યું, “અમે સાક્ષી છીએ.” 23યહોશુઆએ કહ્યું, “તો હવે તમારી સાથે જે અન્ય દેવો છે તેને દૂર કરો, અને તમારું હૃદય ઇઝરાયલના પ્રભુ યહોવા તરફ વાળો.”

24લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા પ્રભુ યહોવાની જ સેવા અમે કરીશું. તેમની જ વાણી અમે સાંભળીશું.” 25તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો. તેણે શખેમમાં તેઓને માટે વિધિઓ અને નિયમો નિયત કર્યા. 26પછી યહોશુઆએ આ વાતો યહોવાનાં નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખી. તેણે મોટો પથ્થર લીધો અને યહોવાનાં પવિત્રસ્થાનની બાજુમાં એલોન વૃક્ષની નીચે તેને સ્થાપિત કર્યો.

27યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “જુઓ, આ પથ્થર આપણી મધ્યે સાક્ષી થશે. કેમ કે યહોવાએ જે વાતો આપણને કહી તે સર્વ તેણે સાંભળી છે. માટે તે તમારી વિરુદ્ધ સાક્ષી થશે, રખેને તમે તમારા યહોવાનો ઇનકાર કરો. 28પછી યહોશુઆએ પ્રત્યેક માણસને, તેઓના વારસાના વતનમાં મોકલી દીધા.

29આ બિનાઓ બન્યા પછી, નૂનનો પુત્ર યહોશુઆ જે યહોવાનો સેવક હતો તે એકસો દસ વર્ષની વયે મરણ પામ્યો. 30તેઓએ તેના વતનની હદમાં, ગાઆશ પર્વતની ઉત્તરે, એફ્રાઈમના પહાડી પ્રદેશમાં, જે તિમ્નાથ-સેરા છે, તેમાં તેને દફ્નાવ્યો.

31તે સર્વ દિવસોમાં જે વડીલો યહોશુઆની આખી જિંદગી સુધી અને તેના પછી જીવતા રહ્યા હતા અને યહોવાએ ઇઝરાયલ માટે જે સર્વ કર્યું હતું તેનો અનુભવ કર્યો, તેઓના જીવન પર્યંત ઇઝરાયેલે યહોવાની સેવા કરી.

32યૂસફના જે અસ્થિ ઇઝરાયલના લોકો મિસરમાંથી બહાર લાવ્યા હતા તેને તેઓએ શખેમમાં, જમીનનો જે ટુકડો યાકૂબે ચાંદીના સો સિક્કાની કિંમત આપીને શખેમના પિતા હમોરના દીકરાઓ પાસેથી વેચાતો લીધો હતો તેમાં દફનાવ્યાં. અને તે યૂસફના વંશજોનું વતન થયું. 33હારુનનો પુત્ર એલાઝાર પણ મરણ પામ્યો. તેઓએ તેના પુત્ર ફીનહાસને એફ્રાઈમના પહાડી પ્રદેશમાં જે ગિબ્યા નગર અપાયેલું હતું તેમાં દફ્નાવ્યો.

Copyright information for GujULB